Related Questions

મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?

મોક્ષ એટલે શું ? મુક્તિ એટલે શું ?

તમને સુખ ગમે કે દુઃખ?

સુખ, બરાબરને?

શું તમે ક્યારેય નોંધ્યુ છે કે, જો સુખ અનુભવ્યા પછી, દુઃખનો અનુભવ થાય, તો તમને તે ગમતું નથી?

તેથી, ખરેખર તમે સનાતન (કાયમના) સુખની શોધમાં છો નહી કે, વિનાશી સુખ. જો સનાતન સુખ પ્રાપ્ત થઈ ગયું, એને પછી સંસારનું દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ. સનાતન સુખ, એનું નામ જ મોક્ષ.

કાયમના માટે મુકત થવું એવી જાગૃતિ રહેવી, એ મોક્ષની વ્યાખ્યા છે. જીવતા જ “હું મુક્ત છું” જાગૃતિ હોવી જોઈએ.

જો તમારે બધા જ કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય અને સંપૂર્ણ મોક્ષ જોઈતો હોય તો, તમારે પહેલા અજ્ઞાનથી (આત્માના) મુક્ત થવું પડશે. એકવાર અજ્ઞાનથી મુક્ત થતાં જ તમને બધુ સીધું અને સરળ લાગશે; શાંતિ થશે અને દિન પ્રતિદિન તમને વધુ ને વધુ શાંતિનો અનુભવ થશે અને કર્મોથી મુકિત મળશે.

બે તબક્કાનો (સ્ટેજનો) મોક્ષ (મુક્તિ)

મોક્ષ બે તબક્કાનો (સ્ટેજ) હોય છે. 

પ્રત્યક્ષ એવા જ્ઞાની પુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ, પ્રથમ તબક્કાનો (સ્ટેજનો) મોક્ષ આજ જીવનમાં અનુભવી શકાય. આ સ્ટેજનાં મોક્ષમાં, તમે આ જ જીવનમાં દુઃખોથી મુકિતનો અનુભવ કરી શકશો. 

જ્યારે તમે તમારા બધા જ કર્મો થી મુક્ત થશો (બધા જ સંસારી પરમાણુઓના બંધનોથી ) ત્યારે બીજા તબક્કાનો (સ્ટેજનો) મોક્ષ પ્રાપ્ત થશે. કિંચિતમાત્ર પણ પરમાણુ પણ તમારા આત્મા સાથે જોડાયેલો ન હોય ત્યારે. આ સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત કરવા માટે, તમને ગત ભવમાં આત્માનો સંપૂર્ણ અને સર્વાંગ અનુભવ થવો જોઈએ અને તે પણ મનુષ્ય દેહના રહીને. માત્ર મનુષ્ય દેહમાં જ તમે આખા બ્રહ્માંડના એકે એક પરમાણુને જોઈ શકો અને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરી શકો છો. આ બધા અનુભવ પછી તમે મોક્ષે, સિદ્ધ ક્ષેત્રે જઈ શકો. (સંપૂર્ણપણે મુક્તિ પામેલા આત્માઓનું કાયમનું નિવાસ સ્થાન)

મોક્ષ કોણ આપી શકે ?

શાસ્ત્રજ્ઞાનથી નિવેડો (મોક્ષ) નથી, અનુભવજ્ઞાનથી (મોક્ષ) નિવેડો છે . અનુભવ જ્ઞાન અનુભવી જ્ઞાની પાસેથી જ મળે. શાસ્ત્રો આપણી ભૂલ ના દેખાડે. એ સામાન્યભાવે બધાંને કહી જાય. પ્રત્યક્ષ વિના ઉપાય નથી. કાગળ પર દોરેલો દીવો અંધારામાં પ્રકાશ આપે ? શાસ્ત્રોની સીમા કાગળ પરના દીવા જેટલી જ છે. સાક્ષાત પ્રકાશ ફક્ત એક જ્ઞાની જ આપી શકે છે, જે સ્વયં પૂર્ણ પ્રકાશક છે.

મોક્ષ માર્ગ વિષે નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે અને પરિણામે જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડશે. અહીંથી, સ્ટેશને જવું હોય તો ય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે. તો આ તો મોક્ષની ગલી સાંકડી, અટપટી ને વળી ભૂલભૂલામણીવાળી. જાતે જવા જઈશ તો ક્યાંય અટવાઈ જઈશ. માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચાલ્યો જા.

જ્ઞાનવિધિમાં તમને કઈ સમજણ પ્રાપ્ત થાય છે?

અક્રમવિજ્ઞાનમાં, જ્ઞાનવિધિ ૨ કલાકનો વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જેમાં જ્ઞાની પુરુષની કૃપાથી જ મુમુક્ષુ અનુભવપૂર્વકના આત્મજ્ઞાનની પ્રાપ્તિની સાથે સાથે આ જગત કોણ ચલાવે છે તે જ્ઞાન પામે છે.

  • આત્મજ્ઞાન:હું કોણ છું?” નો જવાબ મળે છે.
  • કર્તા સંબંધીનું જ્ઞાન : આ જગતના બધા સંજોગો વ્યવસ્થિતના શક્તિ (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) ના તાબામાં છે. આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહિ. ત્યાં કોઈ નથી જેની પાસે આ બધા ચલાવવાનો સમય છે. પરમ પૂજ્ય દાદાશ્રી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ને 'વ્યવસ્થિત' શક્તિ કહે છે. તે બધાને વ્યવસ્થિત જ રાખે છે. 'વ્યવસ્થિત શક્તિ'ની સમજણ એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે.

સંસારી જીવનમાં શું વાંધો છે? આપણે શા માટે મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ?

આપણા જીવનમાં આપણે કોઈને કોઈ ધર્મનું આચરણ કરતા હોઈએ છીએ. ઘણા બધા પુરુષાર્થ પછી કંઈક પરિણામ તો આવવું જોઈએ, પરંતુ આપણને ખબર જ નથી કે કેવાં પ્રકારનું પરિણામ જોઈએ છે, અને આપણે માત્ર પુરુષાર્થ કર્યે જ જતા હોઈએ છીએ. આપણે નફા માટે ધંધો કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો થાય છે અને ઘર ખરીદીએ છીએ એવા આશય સાથે કે તેના પરિણામે શાંતિ પ્રાપ્ત થશે, પરંતુ તે સાથે દુઃખ પણ લાવે છે. આપણે દુઃખોમાંથી કેવી રીતે મુક્ત થઈ શકીએ અને સનાતન સુખની પ્રાપ્ત કરી શકીએ? જો આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ, તો પછી આપણે ન માત્ર દુઃખોથી મુક્ત થશું, પરંતુ કર્મોથી પણ મુક્ત થશું. બસ આટલા માટે આપણે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ.

તમને કેવી રીતે ખબર પડે કે તમને મોક્ષ પ્રાપ્ત થયો છે કે નહી?

જ્યારે તમે અજ્ઞાનથી મુક્ત થાઓ છો ત્યારે તમે એવી સ્થિતિએ પહોંચો છો, જે બધાં જ દુઃખોથી મુક્ત છે. આ સ્થિતિમાં, તમે અનુભવશો કે, કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાના જીવનની સરખામણીમાં હાલના જીવનમાં કંઇક અલગ જ અનુભવ કરી રહ્યા હશો. આ અનુભવ થયા બાદ, તમે તમારી ભૂલોને જોઈ શકશો અને એ જ એ વાતનું પ્રમાણ છે કે તમે પ્રથમ સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત કર્યો છે, કારણ કે જાગૃત આત્મા નિષ્પક્ષપાતી હોય છે. તમે આ જાણી શકશો કારણ કે તમે આત્મા છો અને આત્મા આખા બ્રહ્માંડનો સૌથી મોટો ન્યાયાધીશ છે.

શું આવો મોક્ષ (મુક્તિ) જીવતા જ અનુભવી શકાય કે પછી એ મુક્તિ મૃત્યુ પછી આવશે?

મૃત્યુ પછીની મુક્તિ શું કામની ? મૃત્યુ પછી મુક્તિ મળશે એવું કહીને લોકો ફસાવે છે. અલ્યા, મને અહીં કંઈક દેખાડને ! સ્વાદ તો દેખાડ કંઈક, કંઈક પુરાવો તો દેખાડ. ત્યાં મોક્ષ થશે, એનું શું ઠેકાણું ? એવો ઉધારિયો મોક્ષ આપણે શું કરવાનો ? ઉધારિયામાં ભલીવાર આવે નહીં. એટલું બધું કૅશ સારું. આપણને અહીં જીવતાં જ મુક્તિ થવી જોઈએ.

શું સ્થૂળ દેહ મોક્ષમાં સાથે રહેશે?

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી, તમારે જ્ઞાતા-દ્ર્ષ્ટા રહેવું જોઈએ, કોઈપણ રાગ-દ્વેષ વિના, જેથી કરીને જ્યાં (સિદ્ધક્ષેત્રમાં) શાશ્વત મુક્તિ પામેલા સિદ્ધ પરમાત્માઓ કાયમી વસે છે ત્યાં સ્થૂળ દેહની હાજરી નથી રહેતી. આત્મા સ્થૂળ દેહ વિના જોનાર અને જાણનાર (જ્ઞાતા-દ્રષ્ટા) તરીકે તેમજ શાશ્વત સમાધિ સુખમાં રહે છે. વધુમાં આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. તે સ્વભાવથી જ અવિનાશી અને અવ્યાબાધ છે

મોક્ષમાં આપ શું કરશો?

મુકિત (મોક્ષની પ્રાપ્તિ) થયા પછી અને સિદ્ધક્ષેત્રની પ્રાપ્તિ થયા બાદ, તમે આત્માનાં અનંત અનંત સમાધિ સુખમાં રહેશો. તમે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને આખા બ્રહ્માંડના ચારેયગતિના જીવો મનુષ્ય ગતિ, જાનવર, ઝાડ અને બીજા જીવો, દેવગતિના જીવો અને નર્કગતિ (નારકી જીવોને) નિહાળી આત્માના અનંત સમાધિ સુખમાં રહી શકશો.

×
Share on